Feeds:
Posts
Comments

એક ઐતિહાસિક પળ –

ચાર પગ સ્થિર રાખીને
પુચ્છ જેવી તુચ્છ ઇચ્છાને બળે
દોડી જતી ગાયને
રેલવેના ડબામાંથી
તમે જોતાં હો
ત્યારે તે વિપરીત દિશામાં દોડતી દેખાશે
કેમકે મળવાની તેની ઇચ્છા અતિ તીવ્ર હોય છે

ઇતિહાસ તો ગવાહ છે કે
વિપરીત દિશામાં ગતિ કરતાં જીવો
આખરે તો એકમેકનો હાથ ઝાલીને ઊભા
રહી જાય છે પ્લેટફોર્મ પર
બપોરના બે વાગ્યા સુધી સાવ જ
ભૂખ્યા પેટે ગઈ કાલની જેમ જ આજે પણ
એક વાર ટ્રેન છૂટી જાય પછી
તો વાસી વડાં પણ ના મળે તમને

ઇતિહાસ એ વાત તો કરે જ નહીં
કે વનેરુ છોકરાંને પાસે ખેંચીને
ફોટોગ્રાફરની સાથે ઊભા માં-બાપ
ચીઝ કહેતાં જ આંખ નમાવી દે
ત્યારે કેમેરાના કાચમાંથી ડોકિયું કરતો
ફોટોગ્રાફરની આંગળીમાં જે
મીઠી કસક થાય

તે સરકારી દીવાલ પરના
ફોટામાં ના જ દેખાય
તમે સાકરીયા સોમવાર રાખો
કે શુક્રવારનો નકોરડો ઉપવાસ

કવિતામાં લખાયેલો પ્રત્યેક અક્ષર
અક્ષર હોય છે
ભલેને તે થોડો કમરે વાંકો વળેલો લાગે
જાણે સાબરમતિમાં ઊભી રાખેલી
બાપુજીની લાકડી!

તો કહેવાનું કેવળ એ જ કે
કવિતામાં તો બધું જ કેદ થઈ જાય
ને પછી તો કોઇની મજાલ છે કે

બોચી પકડીને ખેંચી રાખેલા
વનેરુ છોકરાંને જોડતી
એ ધાર્મિક પળનો વાળ પણ વાંકો કરી શકે ?

૨/૭/૨૦૧૨

Advertisements

ફોટામાંના દાદાજી –

દાદાજી જે ખાટલા પર સૂતા હતા

તેના પર હવે બાપુજી સુવે છે.

દાદાજીની જેમ તે કદી

હુક્કો ગડગડાવતા નથી

કે નથી તેમની મુંછો

દાદાજીના જેવી

ધોળી ને બ્રશ જેવી ભરાવદાર !

દાદાજીની જેમ મુછો કેમ નહીં રાખતા હોય ?

રોજ સવારે

દાઢીપર બ્રશ ફેરવી ફેરવીને

ગોટે ગોટા ફીણ બનાવતા જોતાં,

એક હાથે નાક પકડીને

ઉગવા આવેલી મુંછોને

સસ્તા ગોદરેજ રેઝરથી નિર્મૂળ કરવા મથતા

બાપુજીને જોઈને

ફોટામાંના દાદાજી શું વિચારતા હશે ?

એક ગરાજ સેલ –

આજ સવારથી
મારા ઘરની સામે જ એક ગરાજ સેલ ચાલે છે

લોકો વાહનો લઈને આવે છે
અને સાઈ રોડ તેની લાઈનથી ભરચક છે.

બારી પાસે ઉભેલો હું લોકોને
રમકડાં, ઉતરેલાં કપડાં, હેટ -ટોપી , કોટ- બંડી, જૂતાં
ને વાસણો ને જાત જાતનો ભંગાર લઈને

દરેકને એક પોતાની આગવી
ટ્રોફી ખરીદવી છે -સસ્તા દામે
આમ ખૂલ્લે આમ પોત પોતાના
ખિસ્સાની સાઈઝનીને મન ગમતી

પણ બધા બધે વહેલા થોડા જ પહોંચી શકે છે ?
જેના હાથમાં જે આવે તે લઈને
ગરાજ સેલમાંથી નીકળી જવાનું સૌથી આગળ,

ને દેખાડતા જવાની
પોત પોતાની ટ્રોફી કેટલી સસ્તી મળી
તેનો જ મહીમા છે અહી તો

સોદાગરની ચાલ ચાલતા
એ બધાને જોતાં રહેવામાં
મારો તો આખો દિવસ ખર્ચાઈ ગયો !

દ્વન્દયુધ્ધ-

દિવાના આછા અજવાળામાં

તેનો પડછાયો જોતાં જ હું કૂદી પડું છું

– મારી સમુરાઈ સ્વોડ વિંઝતો

તેની સામે બાથડું છું

એક પલકારામાં જ તે ગાયબ થઈ જાય છે કાયરની જેમ, પણ

હું સજાગ રહીને તેના વળતાં હુમલાને પહોંચી વળવાસાવધાન થઈ ઊભો છું ઓરડાની બરાબર વચ્ચોવચ

ડાબો હાથ હવામાં અધ્ધર અને જમીન પર એક ઘૂંટણ ટેકવીને કોઈ પણ દિશામાં ત્રાટકવા સજ્જ થઈને

કમરામાં હવે માત્ર એક જ આદમીબચશે તે વાત નક્કી છે, છતાં દરેક વેળા અમારું દ્વદયુધ્ધ અહીં જ અટકી પડે છે.

હું જ્યારેય કવિતા કરતો હોઉત્યારે તેની ઉપસ્થિતિની મને જાણ હોય છે હું કલમને ખંજર માનીને તેના પેટમાં હૂલાવી દઉં છું, ને

તે ખડખડાટ હસતો રહી પજવતો જ રહે છે- હર હમ્મ્મેશ !

એક વાત નિશ્ચિત છે કે તેની ઉપસ્થિતિ મને કવિતા કરતો રાખે છે

એક હોય તો સમજાય પણ રોજ નવા નવા પ્રતિદ્વન્દવી સાથે કેમ આમ જ લડતા જવાનું ?

સપનું તૂટી રહ્યું છે ?

નગરને અરે કોણ લૂંટી રહ્યું છે?
ગુલોને ચમનનાં એ ચૂંટી રહ્યુ છે!

અહીં આજ લાગે આ અંધારી ભીંતે
કિરણ જેવું જાણે શું ફૂટી રહ્યું છે!

અહીં સ્વાસને ક્યાં કશુંયે નડયું છે
ભીતરમાં ભરેલું એ ખૂટી રહ્યું છે

વિચારોની હેલી ચડે ત્યારે લાગે
અમારાય મનને તે કૂટી રહ્યું છે

સમયસર તો જાગો, છતાં એમ લાગે
અધૂરું એ સપનુંય તૂટી રહ્યું છે?

ભરત ત્રિવેદી
10.10.2011

એક બિલાડી –

એક બિલાડી રોજ સવારે મારા ઘરમાં આવે છે
આવે ત્યારે એક સામટી ચીચીયારી લો ભાગે છે

પોપટ મારો સાવ એકલો પિંજરમાં છે કેદ છતાંયે
પાંખ વિંઝતો એ બિચારો અંદર અંદર લાગે છે!

કોઇ કોઈનું છે નથી તોય કેમ એવું આ લાગે કે
હું નથી હોતો ઘરમાં તોય ઘરમાં એ તો જાગે છે!

આંખો ઢાળી સપનામાં તો જંતર જેવું વાગે છે
પણ સવારે રોજ કેટ કેટલુ ધીમું ધીમું માગે છે!

કોણ આવ્યું છે સવારે આ તે કેવું આંગણ સુનું
ડાળ પર જો એક કાગડો શાને આજે કાગે છે !

ભરત ત્રિવેદી
8.9.2011

એક સસ્પેન્સ ગઝલ

હવે એક માણસ જો કાયમ મરે છે
અહીં કોઈ એવું અગોચર ફરે છે!

કબર ખોદવાથી તો કૈયે મળ્યું ના
છતાં એમ લાગે એ ધીમે સરે છે!

અહીં સાવ અંધારી ચાદર લપેટી
સિતારાની માફક એ રાતે ખરે છે!

ગઝલમાં છૂપાયું હશે કોણ એવું
કરી બંધ આંખોમાં કેવું તરે છે!

નથી કોઈ દેખાતું આજે અહીંયા
ખભે હાથ રાખી પૂછે કે: ડરે છે?

ભરત ત્રિવેદી
૧૦/૮.૨૦૧૧