Feeds:
Posts
Comments

Archive for July, 2012

મહાભારત

દાદાજીની ટાલ પર
બેઠેલો સાંજનો સૂર્ય આમ તો
ઉત્તરાયણની યાદ અપાવે, પણ

બાણશૈયા પર સુતેલા પિતામહના
શ્વેત કેશ પવનમાં આછેરા લહેરાય, તો

એ માનવાને કારણ મળી રહે કે
પવન હવે તો દિશા બદલી રહ્યો છે!

કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવા
છેક કુરુક્ષેત્રનો માર્ગ પણ લેવો પડે

પવન ઉત્તરાભિમુખ ના થાય ત્યાં સુધી
વાટ જોવા જેવી બીજી એકેય કસોટી નથી

૩/૭/૨૦૧૨

Advertisements

Read Full Post »

બપોર

ગમાણમાં નત મસ્તક
બેઠેલા કોઈ બળદની જેમ
બપોર બેઠી છે ચૂપચાપ

અણગમતા ને
કોઈ રખડેલ વિચારને,
હટાવવા મસ્તકને આમતેમ ધૂણાવીને
છુટકારો મેળવી શકાય, પણ

આખેઆખી ગઇકાલ જ
સામે આવીને બણબણવા લાગે
ત્યારે તો શું કરે બપોર !

બપોર ખાટલે બેસીને પણ
દીવાલ પરની ઘડિયાળના કાંટા
ગણવાની રમતમાં જીવ
પરોવી શકે તેમ હોય, છતાં એમ ના કરે

બપોરને સાંજે લંબાતા પડછાયાનો
વિચાર માત્ર એવો પરેશાન એવો કરે કે

માથૂ હલાવ્યા કરે પણ બહાર
કોઈને તેનો અણસાર સુધ્ધાં ના થવા દે

બપોર ઝૂલે તો પણ વિચારોના ઝૂલે જ
બપોરને ગળે બાંધેલી ઘૂઘરી
ખણકતી રહે એટલે બધું જ બરાબર, ને

એની કવિતા કરો તો પણ
બપોર ક્યારે ય ના પાડે નહીં એવી શાંત.

૨૫/૬/૨૦૧૨

Read Full Post »

શ્રાવણ આવી કરે ડોકિયું ત્યારે –

વરસાદ વરસે ત્યારે
દેડકાને દેકારો મારીને બધાંને
કહેવાનું મન થઈ જાય કે

જુઓ, હું કહેતો જ હતો ને કે
તેને મારા વિના ચાલશે જ નહીં !

મોર મનમાં મણ મણની તોલી રાખે
પણ પહેલાં તો સાજ સજીલે, ને
ગળું એવું ફુલાવે કે

દેડકાને તો બિસ્મિલ્લાખાન યાદ
આવી જાય !
બિચારો જીવ લઈને એવો તો કૂદે કે

ખાબોચિયાંનાં જળ ઊછળીને
છાપરે જઇ પહોંચી
નેવાં વાટે તપ ટપ ટપકવા માંડે એવાં કે
કારેલીબાગમાં આવી જાય ઘોડા પૂર

કાળા ઘોડા પરથી તો અસવાર
ઊતરવાનું નામ જ ક્યાંથી લે ?
રેલવે સ્ટેશન તરફ સુરતી પાપડીના
કરંડિયામાં કોઈ કનૈયાને લઈને નીકળી પડે તો
વ્રજવાસીઓને ચોધાર વરસાદમાં જોતાં

સરકારનો સૂબો ઊભા પગે દોડીને
ન્યાય મંદિરના પગથિયે બેસીને દાતણ લો
કોઈ દાતણ લો
કરીને સુરસાગરને ના જગાડે !

સુરસાગર જ્યારે પણ જાગે
ત્યારે સૌથી પહેલાં આંખો ચોળીને,
એક લાંબ્બુ બગાસું ખાઈને બોલે –
આઘાં મરો આઘાં મરો

મરજાદી સુરસાગર
કાચી-પાકી દુકાનો, લારીઓ, ને ઊભા પગે બેઠેલા
ફેરિયાઓને લાતે લાતે ભગાડી મૂકે, ને
મંગળ બજારમાં મંગળાની આરતી ઊતરે
એવી કે લાલ લાલ ચૂંદડીઓ લહેરાવા માંડે,ને

છેક લહેરીપૂરામાં ભેળની લારીઓ પરનાં
કાચી માટીનાં માટલાં ય ઘૂણવા લાગે

શ્રાવણનો વરસાદ આવે ત્યારે દેડકા
પેટ ફૂલાવીને આખલાની જેમ
આવી જાય તોરમાં એવા કે મોર પછી
મણ મણની બાજુએ મેલીને ભૂરી ચડ્ડી
બરાબર ઉપર ખેંચ ને ધીનક ધીન ધા..
ને સમ પર આવતાં જ આંખ મારે એવી કે

મહેલમમાં ફૈયાઝઅલી ખાં ખૂંખારો ખાઈને
મેઘ મલ્હાર વિલંબિત સ્વરોમાં છેડવા લાગે ને
છેડતા જાય એવા કે છેક ભરૂચમાં
દીર્ઘકેશા કો ક્રોધી બ્રાહ્મણને ખમણ જેવા પોચા પોચા
ને કોપરાના છીન આચ્છાદિત ઘચરકા આવવા લાગે
ને છેક નવસારી સુધી સંભળાય !

શ્રાવણ આવે એટલે કારેલીબાગમાં
રડ્યા ખડયા અછાંદસિયા કવિઓ
કરંડિયા ભરીને જલારામ પાસે બેસી જાય
ને બે બે હાથે નાના તમને મારા સમ છે
એવું એવું કહીને પટાવ્યા કરે..

૧/૭/૨૦૧૨

Read Full Post »

એક ઐતિહાસિક પળ –

ચાર પગ સ્થિર રાખીને
પુચ્છ જેવી તુચ્છ ઇચ્છાને બળે
દોડી જતી ગાયને
રેલવેના ડબામાંથી
તમે જોતાં હો
ત્યારે તે વિપરીત દિશામાં દોડતી દેખાશે
કેમકે મળવાની તેની ઇચ્છા અતિ તીવ્ર હોય છે

ઇતિહાસ તો ગવાહ છે કે
વિપરીત દિશામાં ગતિ કરતાં જીવો
આખરે તો એકમેકનો હાથ ઝાલીને ઊભા
રહી જાય છે પ્લેટફોર્મ પર
બપોરના બે વાગ્યા સુધી સાવ જ
ભૂખ્યા પેટે ગઈ કાલની જેમ જ આજે પણ
એક વાર ટ્રેન છૂટી જાય પછી
તો વાસી વડાં પણ ના મળે તમને

ઇતિહાસ એ વાત તો કરે જ નહીં
કે વનેરુ છોકરાંને પાસે ખેંચીને
ફોટોગ્રાફરની સાથે ઊભા માં-બાપ
ચીઝ કહેતાં જ આંખ નમાવી દે
ત્યારે કેમેરાના કાચમાંથી ડોકિયું કરતો
ફોટોગ્રાફરની આંગળીમાં જે
મીઠી કસક થાય

તે સરકારી દીવાલ પરના
ફોટામાં ના જ દેખાય
તમે સાકરીયા સોમવાર રાખો
કે શુક્રવારનો નકોરડો ઉપવાસ

કવિતામાં લખાયેલો પ્રત્યેક અક્ષર
અક્ષર હોય છે
ભલેને તે થોડો કમરે વાંકો વળેલો લાગે
જાણે સાબરમતિમાં ઊભી રાખેલી
બાપુજીની લાકડી!

તો કહેવાનું કેવળ એ જ કે
કવિતામાં તો બધું જ કેદ થઈ જાય
ને પછી તો કોઇની મજાલ છે કે

બોચી પકડીને ખેંચી રાખેલા
વનેરુ છોકરાંને જોડતી
એ ધાર્મિક પળનો વાળ પણ વાંકો કરી શકે ?

૨/૭/૨૦૧૨

Read Full Post »