Feeds:
Posts
Comments

Archive for September, 2011

અહીં તો –

અહીં તો મને એ ના ક્યાંયે જડે છે
છતાં થાય એવું કે કાયમ નડે છે

અહીં જે ચગ્યો તે પછીથી પડ્યો છે
મળ્યો દેહ કેવો કે હેઠો પડે છે!

અહીં તો અજાણી એ ક્યારે નડી છે
ઉદાસીને કાયમ ઘર મારું જડે છે!

અહીં કોઇને કોણ પરખી શકે છે?
કદી કોઈ ક્યારેય એરણ ચડે છે!

અહીં તો બધાંની ગરદન ઝૂકી છે!
ખડગ કોઈ આજે શું સૌને ધડે છે?

-ભરત ત્રિવેદી

9/30/2011

Read Full Post »

રેતી ખરે છે –

હવે એ જ આવીને એવું કહે છે
હજી કેમ પર્દાની પાછળ રહે છે?

ઊભા કાફલા જઈને આજે મુકામે
મને લઈને કોઈ હજીયે વહે છે !

બધાને તો એવુંય ના પણ બને કે
ગયુ કોઈ ચાલ્યું એ પાછું વળે છે!

હવે પૂછવાનું સવારે બધાંને
કહો શું એ ગંગા અહીંયાં વહે છે?

વર્ષોથી એનીય મને તો ખબર છે
દીવાલો ખડી તોય રેતી ખરે છે!

ભરત ત્રિવેદી

Read Full Post »

વિદેશવટો –

કાલે તો ચાલ્યા’તા ગોઠણ
આજે તો સામે છે ઘડપણ

દૂર મૂલકને દેખે ક્યાંથી
આ બિડાતી છે જો પાંપણ

કાલે જે આવેલાં સપનાં
એવાં આજે ભૂલ્યા સગપણ

ક્યાંથી આ તો રુઝે આજે
જૂના તો જાગ્યા છે વ્રણ

પ્યાસ આજે એવી લાગે
યાદોનાં ઉમટ્યાં છે જો રણ

છૂટ્યું તો પણ કેવું છૂટ્યું
વાછરડું શોધે છે ગોધણ !

-ભરત ત્રિવેદી

10/1/2011

Read Full Post »

સિગ્નિફિકંસ : એક ડાયસ્પોરા કવિતા

આંગળીથી

રસાદાર બટાટાના શાકનો

સ્વાદ લાવાનો

તો હવે વિસરાતો જાય છે

હવે તો

ડાયનિંગ રૂમમાં

સામે ટેબલ પર બેઠેલા

અને

તેના ગંદા જીન્સ પર

ઘસીને

તેનાં ‘પ્લાસ્ટિક વેર’ને

ચમકાવવા મથતા

એ અમેરિકનનીં નકલ

કરવા

હું

અહીંયા ખોવાઈ ગયો છું !

.

ભરત ત્રિવેદી

Read Full Post »

બેકાર હોવો જોઈએ –

શબ્દનો આભાર હોવો જોઇયે
અર્થનોયે ભાર હોવો જોઇયે

મૌન જો સામે મળે છે એટલે
આપણે વે’વાર હોવો જોઈયે!

તું ભલેને ગાય આ ગીતો ગઝલ
-ગાનમાં પણ સાર હોવો જોઈયે

ગોળ કે ચોરસ હશે તો ચાલશે
-પ્રેમને આકાર હોવો જોઈયે

હોય નિરાકાર તોયે ચાલશે
રોટલો સાકાર હોવો જોઈએ

કેમ ભટકે છે બધા લોકો પછી
એ ઉપર – બેકાર હોવો જોઈયે!

-ભરત ત્રિવેદી

Read Full Post »

શું કરું ?

તારલા આભે ઉગ્યા છે તોડવાને શું કરું?
હાથ તો ઊંચા કર્યા પણ જોડવાને શું કરું ?

લઈ ફરું છું હવે પણ તે કેટલા અવતારના
આ ઘડા માથે પડ્યા તે ફોડવાને શું કરું ?

એક તો તારી ગલી છે આમ પણ જો સાંકડી
એકદમ તો આ સફરને મોડવાને શું કરું ?

આ બધું ભીતર ભરેલું આવશે ઉપર પછી
લાવવું તો ઉપર પણ ફંફોસવાને શું કરું ?

એ હતો મારો જ છાયો ને જરા વાંકો થયો
રાહ લાંબી છે હવે તરછોડવાને શું કરું ?

ભરત ત્રિવેદી
9/25/2011

Read Full Post »

કોફીની આદત –

અહીં એક છલકાતી કોફીની આદત
અહીં તે પછી છે બધાંની ઈબાદત

અહીં ચારે રસ્તે ઊભો આ મુસાફર
રસ્તાની પાછી નવી શી મરામત !

અહીં આ બધા ખેલ તારા જ છે તો
સમંદર તું શાને પૂછે છે: સલામત ?

અહીં બાંકડે બેસી અખબાર આજે
મળ્યો જો પવન તો કરે છે બગાવત!

અહીં તો હજી ક્યાં છે ફૂલોય રાજી !
ચમેલી ને ચંપાને ક્યાંથી ભણાવત !

-ભરત ત્રિવેદી
9/25.2011

Read Full Post »

Older Posts »