Feeds:
Posts
Comments

Archive for August, 2011

લાગે છે –

મન પડે તો આવે છે ને મન પડે તો ભાગે છે
-એક ચકલી રોજ બિચારી મન અમારૂ માગે છે!

એ સજાવે સુર પહેલાં આમ હમણાં ચાલે છે
સાવ સુની આ પડેલી વાજાપેટી વાગે છે!

પાછલા વરસાદનો છાંટો આવીને જો પડ્યો
એ બિચારો એકલો તો રાત આખી  જાગે છે!

સાવ સૂના સાજ પર જો તર્જ કોઈ વાગે છે
ગીત ભલેને હોય અજાણ્યું સોહીણીના રાગે છે!

આટલા વરસાદ ને કઈ આટલા તોફાનમાં
કોઈ આવ્યું બારણે એવું તમોને લાગે છે ?

-ભરત ત્રિવેદી

8/31.2011

Advertisements

Read Full Post »

પડખે થાય છે !

યાદ, તું પણ હદ વટાવી જાય છે
બારણે ઊભી રહીને ગાય છે !

ખોલવા ને વાસવાનું રોજ પણ
-બારણું બેકારનું તડપાય છે !

એ ટપાલી આવશે – ને આવશે
રોજ વિચારી એ ખોટી થાય છે!

ઓ પ્રવાસી વાયરા શું હોય કે
હીંચકે બેઠોય ઝોકાં ખાય છે !

આ ઉદાસીને હવે આરામ છે
જો,ગઝલમાં આમ પડખે થાય છે!

ભરત ત્રિવેદી
૮.૨૩.૨૦૧૧

Read Full Post »

લાશ બળતી રહી –

એક ચકલી રાત ભર ડરતી રહી
-વેદના હૈયે વસી ખરતી રહી

રાતની આયુ જ ક્યાં લાંબી હતી
-હર સિતારો તૂટતાં મરતી રહી

બંધ બારી છે છતાંયે ચાંદની
આખરી આહટ જરી કરતી ગઈ

રાતના, ઘનઘોર વ્હેતા પૂરમાં
એક નૈયા ક્યાં હવે તરતી રહી

સાવ લીલી આ ધરા વેરાન જો
કોની આંખો એ બધું ચરતી ગઈ

કોઈની તે વાટ જોશે આ રીતે ?
લાશ પણ ધીમી પડી બળતી રહી !

ભરત ત્રિવેદી
8.23.2011

Read Full Post »

આવ્યો છું-

રડેલી રાતમાં સારી સવાલો લૈને આવ્યો છું
એ ભૂલી જાય તે પહેલાં ગલીમાં જૈને આવ્યો છું

‘સનમ તારી કસમ મારી ઉઘાડી રાખજે બારી’
સવારે એ ગલી જઈને ફરીથી કૈને આવ્યો છું

‘ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે ‘
ન જાણે કેટલું એવું મનોમન ગૈને આવ્યો છું

હતું મનમાંય મારા કે વિરહમાં શું થશે એનું
સવારે સામટું પાણી જરા હું પૈને આવ્યો છું !

તબાહીથી ભર્યા ઘરમાં તમારી યાદ તો આવે
વિચારીને પછીથી હું અહીંયા ચૈને આવ્યો છું

અમારે ક્યા હતું એનું જરાયે સ્નાન કે સૂતક
છતાંયે આજ તો જાણે વધારે નૈને આવ્યો છું!

Read Full Post »

ક્યાં આવ્યું-

ગુજામાં જે ભર્યું એ તો તમારે કામ ક્યાં આવ્યું
કરી વાતો ઘણી તોયે તમારૂ ગામ ક્યાં આવ્યું

કરે છે કેટલી ગરબડ રહીને દૂર છે તો પણ
અમારી વાતમાં જો કે તમારૂ નામ ક્યાં આવ્યું

હવે વાતો જ કરવાથી વધારે શું થવાનું છે
સફર ચાલી ઘણી તોયે તમારૂ ધામ ક્યાં આવ્યું

ગયું ત્યારે તો એનીયે ખબર કોને હતી આવી,
ગયું જે એમને રસ્તે તો ઠરીને ઠામ ક્યાં આવ્યું

જતી વેળા અમારે તો હતી ક્યાં એટલી ફુરસત
ઉતાવળમાં ઘણાં નામોમાં હૈયે રામ ક્યાં આવ્યું !

ભરત ત્રિવેદી

Read Full Post »

આ ભવનમાં-

નામ તારું થાય તો બદનામ પણ થાવું પડે
પ્રેમ તારે હોય દિલમાં કોઈને તે પણ નડે!

રામની સાથે હૃદયમાં શ્યામ પણ જોને વસે
હોય તારે એ નજર તો શું પછીથી ના જડે ?

કોઈ આવે કે પછીથી કોઈ ચાલ્યું જાય તો
સ્લેટ કોરી રાખ ને થાશે નવું સૌ એકડે

આ સભામાં લાખ આવે ને છતાં એવું મને
-કોઈ તો એવું હશે જે આપણા માટે રડે !

ખૂબ રોકાયા પછીથી કેટલી માયા વધે
જીર્ણ થાતા આ ભવનમાં રેત તો જોને પડે !

ભરત ત્રિવેદી

Read Full Post »

નારણ જોઈયે-

આપણે લખવાને કારણ જોઇયે
ગાલગા કરડે તો મારણ જોઈયે

એટલી વાતો જો વ્હેતી હોય તો
વાતનું હરવાર તારણ જોઈયે

આમ તો ઉગી જશે એ નભ લગી
હું કહું કે તોય ભારણ જોઈયે

આ વિચારો તો બધા અટકી જશે
સીમ માફક એક ચારણ જોઈયે

આ બધી લક્ષ્મી પછીથી આવશે
ઘર તમારે એક નારણ જોઈયે

ભરત ત્રિવેદી
૮.૨૯.૨૦૧૧

Read Full Post »

Older Posts »