Feeds:
Posts
Comments

Archive for November, 2010

ખારું છે-

ખારું છે-

કેમ છે? તો એ કહેશે સારું છે
આંખમાં આ?તો કહેશે  ખારું છે!

કેટલાં વર્ષો થયાં’તાં બાંધતાં
બોલને તું ‘ઘર હજીયે મારું છે’!

જા ભલેને ઝૂલતો આવાસમાં
છે મને શંકા જ કામ તારું છે!

આમ તારું આવવું- પાછા જવું
મન અમારું કોઈ ખોડીબારું છે?

ના મળે છે ઊંધ કે આરામ, લે
આ ટપકતું છત એકધારું છે!

-ભરત ત્રિવેદી
૧૧.૩૦.૨૦૧૦

Advertisements

Read Full Post »

મારણ વગર-

મારણ વગર-

આજ તો વાદળ વરસ્યાં રાતભર
તુંય આજે તો નવી એ વાતકર !

ખૂબ વરસ્યાં તે છતાં કોરાં પડ્યાં
સ્વપ્ન ક્યાં વાદળ હતાં ખૂબતર !

ગીત મારામાં જ છે તે હરવખત
વાત કરવી હોય તો લે સાત કર

હાથ ઊંચા છે ?  કરીલો બંદગી
હોય છે ક્યારે દવાઓ બેઅસર !

ઝેર તો પીધાં અમે મીરાં પછી
જીંદગી ઓછી પડી મારણ વગર !

-ભરત ત્રિવેદી
૧૧.૨૯.૨૦૧૦

Read Full Post »

લગોલગ આવને-

તું ખરી છે આવ પાછી આવને
તું મને એવો ફરી તડપાવને

જો ફરી વાદળ છવાયાં બારીયે
હાથ લંબાવી જરા ભીંજાવને

એક એવો રાગ તું સાંભળ જરા
હોઠપર છે તું લગોલગ આવને

કેટલાં પુષ્પો ઉગ્યાં છે બાગમાં
એક તો ગજરો બનાવી લાવને

તું કહે તો આમ હું લખતો રહું
શું કહું તે તું જરા બતલાવને

-ભરત ત્રિવેદી
૧૧.૨૮.૨૦૧૦

Read Full Post »

અંધારમાં-

આમ આવીને ખડી દરબારમાં
વાત વધતી ગૈ હતી તકકારમાં

ખૂબ નીકટ તો હતાં પાછાં ફર્યાં?
વાદળો લાગ્યાં હતાં ભણકારમાં

એ હવે એની ફિકર કરશે ખરાં?
ક્યાં હતું રોકાણ કારોબારમાં !

ડાળ જોઈ ને જ એ બેઠું હશે
જોઈયે ને કૈક તો આધારમાં ?

ખૂબ ભીતર હો ભલેને શ્વાસ છે
ભાર લાગે તો ખરો અંધારમાં !

-ભરત ત્રિવેદી
૧૧.૨૮.૨૦૧૦

Read Full Post »

મનાવી શકું છું-

જે કહો તે તરત લાવી શકું છું
આઈનો છું કામ આવી શકું છું

કોઈ રીતે તે મને  હંફાવશે
ખેલ તેના બધા તાવી શકું છું!

આજ તો આવેલ એ ફરમાન છે
તીર હોતું,  તરત વાળી શકું છું

બંધ આંખે બારણાં શું બંધ છે?
આજ આવી ને જગાવી શકું છું

કોઈના નામે કશુંયે થાય છે ?
આમ આવીને મનાવી શકું છું

-ભરત ત્રિવેદી
૧૧.૨૮.૨૦૧૦

Read Full Post »

સાંજનો સૂરજ-

એક આવે તો ન બીજું જાય છે
એ પગરખું છે નવું, સમજાય છે?

એકલા પડતાં જ પાછું આવતું
મન પરાયું ક્યાં કદીયે થાય છે?

એમનો સંતાપ ઓછો થઈ શકે
બારીમાંનું દ્રશ્ય જો બદલાય છે!

રેલના પાટા સટોસટ દોડતા
એટલું કે ગામ પાછું જાય છે!

ઘર ગલી કે ગામ પરખાતાં રહે
સાંજનો સૂરજ કદી બદલાય છે?

 -ભરત ત્રિવેદી
૧૧.૨૬.૨૦૧૦

Read Full Post »

લખાવટ કરીયે-

ચલો એક એવી બનવટ કરીયે
નવી ખૂબસૂરત પટાવટ કરીયે

જગા આમ તો સાવ ખંડેર છે પણ
અમસ્તી અમસ્તી સજાવટ કરીયે

અહીં આપણો રાતભરનો જ વાસો
જરી જેટલી તો જમાવટ કરીયે

ગયાં વર્ષને કોક વેળા ગણીને
અરીસાને થોડો નપાવટ કરીયે

અહીં કોઈના શબ્દ કાયમ રહ્યા ક્યાં ?
છતાં થોડી આજે લખાવટ કરીયે.

-ભરત ત્રિવેદી

Read Full Post »

Older Posts »