Feeds:
Posts
Comments

એક ગરાજ સેલ –

આજ સવારથી
મારા ઘરની સામે જ એક ગરાજ સેલ ચાલે છે

લોકો વાહનો લઈને આવે છે
અને સાઈ રોડ તેની લાઈનથી ભરચક છે.

બારી પાસે ઉભેલો હું લોકોને
રમકડાં, ઉતરેલાં કપડાં, હેટ -ટોપી , કોટ- બંડી, જૂતાં
ને વાસણો ને જાત જાતનો ભંગાર લઈને

દરેકને એક પોતાની આગવી
ટ્રોફી ખરીદવી છે -સસ્તા દામે
આમ ખૂલ્લે આમ પોત પોતાના
ખિસ્સાની સાઈઝનીને મન ગમતી

પણ બધા બધે વહેલા થોડા જ પહોંચી શકે છે ?
જેના હાથમાં જે આવે તે લઈને
ગરાજ સેલમાંથી નીકળી જવાનું સૌથી આગળ,

ને દેખાડતા જવાની
પોત પોતાની ટ્રોફી કેટલી સસ્તી મળી
તેનો જ મહીમા છે અહી તો

સોદાગરની ચાલ ચાલતા
એ બધાને જોતાં રહેવામાં
મારો તો આખો દિવસ ખર્ચાઈ ગયો !

Advertisements

<

સ્ટારબકની કોફી-

હવે સ્ટારબકની કોફીનો સ્વાદ
સુધરી રહ્યો છે
કે તમારી આદત
તે આ સામે બેઠેલી
વસંતની ક્રોસલેગ્ડ સવારને
તે કેમ કરીને પૂછી શકાય !
કાળી ને કડૂચી કોફીમાં ધોળું ધોળું મિલ્ક
રેડાતું જોઈને સારું તો લાગે જ
પણ આ તો શનિવારની સવાર જ છે
આખી બપોરનું શું?
સવાર તો તેનો સેલ ફોન લઈને
બેસી જાય એક ખૂણામાં
અને બે હાથે ટાઈપ કરતી રહે
સંદેશા કોઈ અધિરિયાને
ને તમે મોઢું વકાસીને જોતા રહો
તેના ટૂંકા સ્કર્ટમાંથી ફેલાઈને
ને ધોળા વાદળમાં કતારબંધ ઊડતાં
પંખીઓની હરોળ જેવી
લીલી લીલી નસો
તમે ચીઝ બરાબર ચોપડીને પછી
બેગલ ખાવાનું સાવ ભૂલી જાવ
પણ આદતવાશ તમારો જમણો હાથ
આગળ વધે ને
તમે નાનાં નાનાં બટકાં ભરતા જાવ
ને ઘડી ઘડી
પેપર નેપકીન વડે તમારા
ચીકણા હોઠને લૂછતા રહો.

ભરત ત્રિવેદી
5.2.2013

Fathar & Son

એક દલિત – પીડિત બિરજુની પરોઢ

મારી મા બિચારી
બે હાથ જોડીને કરગરતી રહી
તો પણ જીવણ શેઠની સાથે

બગલમાં લાલ ચોપડા લઈને
પડછાયાની જેમ સાથે રહેતો તેમનો મુનીમ
અમારા બંને બળદ
હીરા-મોતીને લઇ જ ગયો!

હવે વરસતા વરસાદમાં

મારા નાના ભાઈને પોતાની પીઠ પર
એક મેલી ઝૉળી લઈને
સુકાઈ ગયેલા તળાવ જેવા
અમારા ખેતરમાં
જાતે હળ ચલાવતી જોતાં જ

હું લાગલો જ
અમારા ઝુપડાની દીવાલ પર કાટખાતી
બે નાળી લઈને દોડ્યો

ને મારી મા
પોતાના બંને હાથ ફેલાવીને
બિરજુ, રુક જા ….. બીર, જુ રુક જા
કરતી મારી પાછળ દોડી, પણ

નરગિસમાંથી રાતોરાત
નિરૂપારોયમાં પલટાઈ ગયેલી
મારી મા
દોડે તો પણ કેટલું દોડી શકે !
પાછળ દોડતી તે એક ઝાડના થડને
પકડીને ઊભી રહી ગઈ !

સફેદ ધોતી અને કાળી બંડી
મારી
વરસતા વરસાદમાં લથપથ, ને
જઇ પહોંચ્યો
હું
જીવણલાલાની હવેલી પર

લાગલા જ
‘મેરી માં કે કંગન દેદે લાલા’
મેં ત્રાડ પાડી, ને
થરથર ધ્રૂજતાં લાલો કહે :
વો તો તેરા બાપ જુગાર ઔર દારૂમે …….

એક મોટો ભડાકો
ને મારી આંખ ખૂલી ગઈ
પણ લોહી નિતરતી લાલાની લાશ ક્યાં ગઈ ?

જોઉં છું કે
મારી બેડ પાસેના ડગમગતા ટેબલપર
‘મધર ઇન્ડિયાની’ એક સાવ જ જૂની
વિડીયો પડી હતી !

મહાભારત

દાદાજીની ટાલ પર
બેઠેલો સાંજનો સૂર્ય આમ તો
ઉત્તરાયણની યાદ અપાવે, પણ

બાણશૈયા પર સુતેલા પિતામહના
શ્વેત કેશ પવનમાં આછેરા લહેરાય, તો

એ માનવાને કારણ મળી રહે કે
પવન હવે તો દિશા બદલી રહ્યો છે!

કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવા
છેક કુરુક્ષેત્રનો માર્ગ પણ લેવો પડે

પવન ઉત્તરાભિમુખ ના થાય ત્યાં સુધી
વાટ જોવા જેવી બીજી એકેય કસોટી નથી

૩/૭/૨૦૧૨

બપોર

ગમાણમાં નત મસ્તક
બેઠેલા કોઈ બળદની જેમ
બપોર બેઠી છે ચૂપચાપ

અણગમતા ને
કોઈ રખડેલ વિચારને,
હટાવવા મસ્તકને આમતેમ ધૂણાવીને
છુટકારો મેળવી શકાય, પણ

આખેઆખી ગઇકાલ જ
સામે આવીને બણબણવા લાગે
ત્યારે તો શું કરે બપોર !

બપોર ખાટલે બેસીને પણ
દીવાલ પરની ઘડિયાળના કાંટા
ગણવાની રમતમાં જીવ
પરોવી શકે તેમ હોય, છતાં એમ ના કરે

બપોરને સાંજે લંબાતા પડછાયાનો
વિચાર માત્ર એવો પરેશાન એવો કરે કે

માથૂ હલાવ્યા કરે પણ બહાર
કોઈને તેનો અણસાર સુધ્ધાં ના થવા દે

બપોર ઝૂલે તો પણ વિચારોના ઝૂલે જ
બપોરને ગળે બાંધેલી ઘૂઘરી
ખણકતી રહે એટલે બધું જ બરાબર, ને

એની કવિતા કરો તો પણ
બપોર ક્યારે ય ના પાડે નહીં એવી શાંત.

૨૫/૬/૨૦૧૨

શ્રાવણ આવી કરે ડોકિયું ત્યારે –

વરસાદ વરસે ત્યારે
દેડકાને દેકારો મારીને બધાંને
કહેવાનું મન થઈ જાય કે

જુઓ, હું કહેતો જ હતો ને કે
તેને મારા વિના ચાલશે જ નહીં !

મોર મનમાં મણ મણની તોલી રાખે
પણ પહેલાં તો સાજ સજીલે, ને
ગળું એવું ફુલાવે કે

દેડકાને તો બિસ્મિલ્લાખાન યાદ
આવી જાય !
બિચારો જીવ લઈને એવો તો કૂદે કે

ખાબોચિયાંનાં જળ ઊછળીને
છાપરે જઇ પહોંચી
નેવાં વાટે તપ ટપ ટપકવા માંડે એવાં કે
કારેલીબાગમાં આવી જાય ઘોડા પૂર

કાળા ઘોડા પરથી તો અસવાર
ઊતરવાનું નામ જ ક્યાંથી લે ?
રેલવે સ્ટેશન તરફ સુરતી પાપડીના
કરંડિયામાં કોઈ કનૈયાને લઈને નીકળી પડે તો
વ્રજવાસીઓને ચોધાર વરસાદમાં જોતાં

સરકારનો સૂબો ઊભા પગે દોડીને
ન્યાય મંદિરના પગથિયે બેસીને દાતણ લો
કોઈ દાતણ લો
કરીને સુરસાગરને ના જગાડે !

સુરસાગર જ્યારે પણ જાગે
ત્યારે સૌથી પહેલાં આંખો ચોળીને,
એક લાંબ્બુ બગાસું ખાઈને બોલે –
આઘાં મરો આઘાં મરો

મરજાદી સુરસાગર
કાચી-પાકી દુકાનો, લારીઓ, ને ઊભા પગે બેઠેલા
ફેરિયાઓને લાતે લાતે ભગાડી મૂકે, ને
મંગળ બજારમાં મંગળાની આરતી ઊતરે
એવી કે લાલ લાલ ચૂંદડીઓ લહેરાવા માંડે,ને

છેક લહેરીપૂરામાં ભેળની લારીઓ પરનાં
કાચી માટીનાં માટલાં ય ઘૂણવા લાગે

શ્રાવણનો વરસાદ આવે ત્યારે દેડકા
પેટ ફૂલાવીને આખલાની જેમ
આવી જાય તોરમાં એવા કે મોર પછી
મણ મણની બાજુએ મેલીને ભૂરી ચડ્ડી
બરાબર ઉપર ખેંચ ને ધીનક ધીન ધા..
ને સમ પર આવતાં જ આંખ મારે એવી કે

મહેલમમાં ફૈયાઝઅલી ખાં ખૂંખારો ખાઈને
મેઘ મલ્હાર વિલંબિત સ્વરોમાં છેડવા લાગે ને
છેડતા જાય એવા કે છેક ભરૂચમાં
દીર્ઘકેશા કો ક્રોધી બ્રાહ્મણને ખમણ જેવા પોચા પોચા
ને કોપરાના છીન આચ્છાદિત ઘચરકા આવવા લાગે
ને છેક નવસારી સુધી સંભળાય !

શ્રાવણ આવે એટલે કારેલીબાગમાં
રડ્યા ખડયા અછાંદસિયા કવિઓ
કરંડિયા ભરીને જલારામ પાસે બેસી જાય
ને બે બે હાથે નાના તમને મારા સમ છે
એવું એવું કહીને પટાવ્યા કરે..

૧/૭/૨૦૧૨